Close

પુરાતત્વીય સંગ્રહાલય, જામનગર

ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ સાથે નવાનગર રાજ્યના શાસકો આ રાજ્યની પ્રગતિ અને વિકાસ કાર્યમાં પણ ખૂબ રસ ધરાવતા હતા. જામ શ્રી દિગ્વિજય સિંહજીના રસ અને પ્રોત્સાહનનું ઉત્તમ ઉદાહરણ છે, પુરાતત્વીય સંગઠનની સ્થાપના. વધુમાં, જામનગર ખાતે સંગ્રહાલય સ્થાપિત કરવા માટે, તેઓએ લાખોટા કોઠાને રાજ્યના પુરાતત્વીય વિભાગને ફાળવ્યો હતો અને આ માટે તેમનું અંગત સંગ્રહ પણ આપ્યું હતું. આમ, પુરાતત્વીય સંગ્રહાલય સને ૧૯૪૬ માં લાખોટા કોઠામાં શરૂ થયું હતું, જે હવે ૧૯૬૦ થી, ગુજરાત રાજયના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા હેઠળ કાર્યરત છે.

લાખોટા કોઠાની નવી જીર્ણોદ્ધાર થયેલી ઇમારત, વાસ્તવમાં ૧૮૪૬ માં બનાવવામાં આવી હતી. જેને ૨૦૦૧ ના ધરતીકંપ દરમિયાન નુકસાન થયું હતું. તેથી, ગુજરાત રાજય પુરાતત્વીય વિભાગ અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસ દ્વારા જરૂરી તથા નોંધપાત્ર જીર્ણોદ્ધાર, રખરખાવ અને સંરક્ષણ યોજના હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી શ્રીવિજય રૂપાણીજીએ ૫મી મે, ૨૦૧૮ ના રોજ પ્રસિદ્ધ લાખોટા કોઠા અને પુનઃપ્રદર્શિત સંગ્રહાલયને ફરી જાહેર જનતા માટે લોકાર્પણ કર્યા હતા.

લાખોટા કોઠો

રણમલ તળાવમાં લાખોટા કોઠા (જળ કિલ્લો – જલ દુર્ગ) નું નિર્માણ કાર્ય વર્ષ ૧૮૪૬ માં જામ શ્રી રણમલજી દ્વારા દુષ્કાળ રાહત માટે કરવામાં આવ્યું હતું. તેનું નામ કદાચ નવાનગરના શાસક લાખાજી પરથી રાખવામા આવ્યું હશે. એવી લોકવાયકા પણ છે કે “૧ લાખ કોરિ” (નવાનગરનું  ચલણ) કોઠાના નિર્માણ સમયે ખર્ચ કરવામાં આવી હતી, તેથી તેનું નામ લાખોટા પડ્યું હશે. સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ, તેને રાજપૂત શૈલીમાં બનાવવામાં આવેલ છે અને ઈરાનિયન સ્થાપત્ય કલાનો પ્રભાવ ધરાવે છે. પ્રારંભમાં, તેના સ્થાનને લીધે, લાખોટા કોઠાનો રક્ષણાત્મક હેતુ માટે અને પછી શાસકો માટે નવરાશની પળોમાં મોજ-મનોરંજનના મહેલ તરીકે કરવામાં આવતો હતો. પરંતુ, હવે સમય સાથે તે શહેરનું હાર્દ અને મુખ્ય કેન્દ્ર બની ગયું છે, જે જામનગરમાં અતુલ્ય વારસાનું સ્મારક છે. જેમાં હાલ પુરાતત્વીય સંગ્રહાલય કાર્યરત છે. ઉપરાંત, તેના ઐતિહાસિક મહત્વને લીધે, લાખોટા કોઠો ગુજરાત રાજ્ય સરકાર હેઠળ સંરક્ષિત સ્મારક છે.

પુરાતત્વીય સંગ્રહાલય

લાખોટા કોઠામાં પુરાતત્વીય સંગ્રહાલયને પુન:પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જેમાં નવા આકર્ષણોનો ઉમેરો ખાસ ધ્યાન રાખીને કરવામાં આવ્યો છે કે, મુલાકાતીઓ દુર્ગના સ્થાપત્ય વૈભવને માણી શકે, તેમજ એક સાંસ્કૃતિક ધરોહર તરીકે, તે શિક્ષણ, અભ્યાસ અને જાહેર જનતા માટે જ્ઞાન સાથે ગમ્મતનું સ્થળ પૂરવાર થાય. ઉપરાંત, આપણા સમૃદ્ધ વારસા તરફ જાગૃતતા અને સંવેદનશીલતાને મુલાકાતીઓમાં કેળવવાનો પ્રયાસ કરે. સંગ્રહાલયમાં પથ્થર અને ધાતુના શિલ્પો, લઘુચિત્રો, કાષ્ઠ ચિત્રો, કાચનાં વાસણ, સિક્કા, ચલણી નોટ છાપવા માટેના ધાતુના બીબાં, તામ્રપત્ર, ભરતકામ અને મોતીકામ વાળી પ્રાદેશિક વસ્ત્રકલા, પ્રાકૃતિક ઇતિહાસના અવશેષો અને રાજવી શસ્ત્રાગારનો સમાવેશ થાય છે. જે ઈતિહાસની ઝાંખી, ૯મી થી ૧૯મી સદીના જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે. આમ, ૨૦૧૮ માં લાખોટા કોઠાની પુનઃસ્થાપના, રખરખાવ અને સંરક્ષણ યોજના પછી, હવે, પુરાતત્વીય સંગ્રહાલય ૧૧ વિભાગોમાં જામનગરનો સાંસ્કૃતિક વારસો અને પ્રાદેશિક ઇતિહાસને ૩૨૧ કલાકૃતિઓના પ્રદર્શન દ્વારા રજૂ કરે છે. જે આપણા વારસાની ઉજવણી અને અર્થપૂર્ણ સંદર્ભમાં અધિકૃત અને નોંધપાત્ર કલાકૃતિઓનો અનુભવ કરાવે છે. જો બીજા શબ્દોમાં કહીએ તો, પુરાતત્વીય સંગ્રહાલય, જામનગર જિલ્લાની ઓળખની સંક્ષિપ્ત પરિચય ની ગાથા પ્રદર્શિત કરે છે.

વિશેષ માહિતી:

  • સમય:   માર્ચ થી ઓક્ટોબર બપોરે ૧:૦૦ થી રાત્રીના ૯:૦૦ કલાક
                 નવેમ્બર થી ફેબ્રુઆરી બપોરે ૧૨:૦૦ થી રાત્રીના ૮:૦૦ કલાક
  • સંગ્રહાલય દર બુધવારે અને બીજા-ચોથા શનિવારે બંધ રહે છે.
  • સરકાર દ્રારા જાહેર રજાના દિવસોમાં બંધ રહે છે.
  • લાઈટ એન્ડ સાઉન્ડ શો દર શનિવાર અને રવિવાર રાત્રીના ૯:૦૦ કલાકે

પ્રવેશ શુલ્ક:

  • ₹ ૨૫/- ભારતીય નાગરિક માટે (પાંચ વર્ષથી ઉપર દરેક વ્યક્તિ દીઠ)
  • ₹ ૧૦૦/- વિદેશી નાગરિક માટે

 વિશિષ્ટ સેવાઓ:

  • ₹ ૧૦૦/- ની ચુકવણીના આધારે લાખોટા કોઠાની આસપાસ ફોટોગ્રાફી (ભારતીય નાગરિક માટે)
  • ₹ ૫૦૦/- ની ચુકવણીના આધારે લાખોટા કોઠાની આસપાસ ફોટોગ્રાફી (વિદેશી નાગરિક માટે)
  • ₹ ૫૦૦૦/- ની ચુકવણીના આધારે પૂર્વ મંજૂરીથી લાખોટા કોઠાની આસપાસ પ્રાસંગિક ફોટોગ્રાફી
  • વિવધ પ્રકારની શૈક્ષણિક પ્રવૃતિઓનું આયોજન
  • આયોજીત વાર્તાલાપ

વધારે માહિતી માટે સંપર્ક:

ક્યુરેટર, પુરાતત્વીય સંગ્રહાલય, લખોટા કોઠો,
રણમલ તળાવ, જામનગર – ૩૬૧૦૦૧

ફોન નં.: ૦૨૮૮-૨૬૭૮૧૨૫

ઈ-મેઈલ:  curator-syca-jam@gujarat.gov.in
                jam.museum@gmail.com

ફોટો ગેલેરી

  • સંગ્રહાલય - પ્રવેશ દ્વાર
  • સંગ્રહાલય - શિલ્પ
  • સંગ્રહાલય - હસ્તકલા
  • સંગ્રહાલય - ચિત્રો
  • સંગ્રહાલય - કાચની કલાકૃતિઓ
  • સંગ્રહાલય - તામ્રપત્ર

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

પ્રવાસી સ્થળથી નજીકનું, જામનગર એરપોર્ટ 10 કી.મી. અંતરે છે.

ટ્રેન દ્વારા

પ્રવાસી સ્થળથી નજીકનું, જામનગર રેલવે સ્ટેશન 3 કી.મી. અંતરે છે.

માર્ગ દ્વારા

પ્રવાસી સ્થળેથી નજીકનું, જામનગર રાજ્ય પરિવહન બસ સ્ટેન્ડ 2 કિમી અંતર છે.